નાસિક નજીક ટ્રક પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત: બે ગુજરાતીઓના મોત, ચારને ઇજા

November 10, 2025

મહારાષ્ટ્રના નાસિક નજીક એક અત્યંત ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના વાવ-થરાદ વિસ્તારના એક જ પરિવારના બે સભ્યોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદના બેવટા ગામનો એક પરિવાર ધંધાર્થે પોતાની કારમાં મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન નાસિક નજીક હાઇવે પર તેમની કાર અચાનક આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

આ દુર્ઘટનામાં પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. મૃતકોમાં મોટા ભાઈ અને નાનાભાઈની પત્નીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ તેમના વતન બેવટા ખાતે લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના બે સભ્યોના અચાનક અવસાનથી સમગ્ર પરિવારમાં અને ગામમાં માતમ છવાઈ ગયો હતો. ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.