અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ-શશિ થરૂર

November 09, 2025

થરૂરે 98માં જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એક નિવેદનના કારણે ફરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે થરૂરે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને લાલકૃષ્ણ અડવાણીના રાજકીય કારકિર્દીનો બચાવ કરતું ચોંકાવનારનું નિવેદન આપ્યું છે.
થરૂરે કહ્યું કે, જેમ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટનાથી માપી શકાતું નથી, તેવી જ રીતે આડવાણીના દાયકાઓના રાજકીય યોગદાનને પણ એક માત્ર મુદ્દાના આધારે સીમિત કરવું અયોગ્ય છે.
થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘જેમ નેહરુજીની કેરિયર માત્ર ચીન યુદ્ધ સામેની હારથી વ્યાખ્યાયિત કરવી અયોગ્ય છે, ઈન્દિરા ગાંધીની કેરિયર માત્ર ઈમરજન્સીથી કરવી અયોગ્ય છે, તેવી જ રીતે અડવાણીના લાંબા જાહેર જીવનને માત્ર એક ઘટના સાથે જોડીને જોવું યોગ્ય નથી. અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ.’ થરૂરે અડવાણીને 98માં જન્મ દિવસની શુભેચ્છા આપી અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, ‘આદરણીય એલ.કે.આડવાણીજીને 98માં જન્મદિવસની શુભેચ્છાઓ ! જાહેર સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા, વિનમ્રતા અને સદભાવના તથા આધુનિક ભારતની દિશા નક્કી કરવામાં તેમની ભૂમિકા અમિટ છે. તેઓ સાચા રાજનેતા છે, જેમનું જીવન પ્રેરણાદાયક રહ્યું છે. બીજીતરફ થરૂરનું ટ્વિટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કેટલાક યુઝર્સ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે આક્ષેપ કર્યો છે કે, થરૂર આડવાણીના રાજકીય વિવાદાસ્પદ પાસાઓને સફેદ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.