આઠ વર્ષ બાદ પણ રોકડનું સર્ક્યુલેશન ઘટ્યુ નહીં...', રાહુલ ગાંધીએ ફરી સરકારને બાનમાં લીધી

November 08, 2024

દિલ્હી : મોદી સરકારે આઠ નવેમ્બર, 2016માં મધ્ય રાત્રિએ જ 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદતાં નોટબંધી લાગુ કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભ્રષ્ટાચારમાં ઘટાડો અને કાળા નાણાંને બહાર કઢાવવા ઉપરાંત રોકડના સર્ક્યુલેશનમાં ઘટાડો કરવાનો હતું.
સદનમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નોટબંધીને આઠ વર્ષ પૂર્ણ થતાં આ ઐતિહાસિક ઘટનાને ફરી યાદ કરતાં કેન્દ્ર સરકાર પર સકંજો કસ્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નોટબંધી બાદ પણ આજે પણ ભારતમાં રોકડનો ઉપયોગ વધુ છે. નોટબંધીનો ઉદ્દેશ રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપવાનો હતો, પરંતુ તેની અસર નહિંવત્ત રહી છે. સોશિયલ મીડિયા X પર રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, નિષ્ણાતોનું માનવુ છે કે,નોટબંધીથી એમએસએમઈ અને બિનસંગઠિત ક્ષેત્રો પર ઊંડી અસર થઈ છે. જેના કારણે માર્કેટમાં મોટા વેપારોનો એકાધિકાર વધ્યો છે, અને નાના ઉદ્યોગોને નુકસાન થયું છે.