રાત્રે ઊંઘવા ગયો પછી ઉઠ્યો જ નહીં... સિંગર પ્રશાંત તમાંગની પત્નીનું ભાવુક નિવેદન

January 13, 2026

ઇન્ડિયન આઈડલ સીઝન 3ના વિજેતા અને ફેનસ સિંગર-એક્ટર પ્રશાંત તમાંગે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમનું 11 જાન્યુઆરીએ 43 વર્ષની વયે અચાનક નિધન થઈ ગયુ હતું. તેમના નિધનના સમાચારથી માત્ર તેમના ચાહકોને જ નહીં પરંતુ સમગ્ર મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને મોટો આઘાત લાગ્યો છે. પ્રશાંતના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ભાત-ભાતની વાતો થઈ રહી છે. કેટલાક લોકો તેને રહસ્યમય ગણાવી રહ્યા હતા તો કેટલાક લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં પ્રશાંતની પત્ની માર્થા એલીએ સ્પષ્ટ કર્યું છે કે, 'સિંગરનું મૃત્યુ સંપૂર્ણપણે કુદરતી હતું. તેમણે કહ્યું છે કે, પ્રશાંતનું ઊંઘમાં જ મૃત્યુ થઈ ગયુ હતું. આમાં કોઈ ષડયંત્ર કે રહસ્ય જેવી કોઈ બાબત નથી.'

ઊંઘમાં જ મૃત્યુ થઈ જવું એ કોઈ નવી વાત નથી અને પ્રશાંત તામાંગનો કિસ્સો એકલો નથી. દુનિયાભરમાં એવા અનેક કિસ્સાઓ છે જેમાં લોકો સૂતા-સૂતા જ દુનિયાને અલવિદા કહી દે છે. આ જ કારણ છે કે આવી ઘટનાઓ બાદ લોકોના એક જ સવાલ ઉઠે છે કે, આખરે કોઈ વ્યક્તિ ઊંઘમાં કેવી રીતે મૃત્યુ પામી શકે? તેનું કારણ શું છે?

દુનિયાભરમાં એવા અસંખ્ય લોકો છે જે રાત્રે શાંતિથી સૂઈ જાય છે અને પછી સવારે ઉઠતા જ નથી. કોઈ વ્યક્તિનું ઊંઘમાં મૃત્યુ પામવું એ લોકોને એટલા માટે પણ ચોંકાવનારું લાગે છે, કારણ કે દરેક વ્યક્તિ ઊંઘને ​​આરામ અને શાંતિ સાથે જોડે છે. ખાસ કરીને જ્યારે કોઈ યુવાન અને સ્વસ્થ દેખાતી વ્યક્તિ આ રીતે દુનિયાને અલવિદા કહી દે છે, ત્યારે આ સવાલ ઉભો થવો સ્વાભાવિક છે. પરંતુ સત્ય એ છે કે ઘણા લોકો ઊંઘમાં જ મૃત્યુ પામે છે.