યુદ્ધવિરામ બાદ પાકિસ્તાનના PMનો બફાટ, 'હવે યુદ્ધના મેદાનમાં મળીશું'

May 12, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના ચાર દિવસના તણાવ બાદ યુદ્ધવિરામની જાહેરાત થતાં જ. આખી દુનિયાએ આને શાંતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું માન્યું, પરંતુ પાકિસ્તાનનો બેવડો ચહેરો ફરી એકવાર ખુલ્લો પડી ગયો, જ્યારે તેણે યુદ્ધવિરામની જાહેરાત થયાના થોડા કલાકો પછી જ તેનું ઉલ્લંઘન કર્યું. આનાથી સ્પષ્ટ થયું કે પાકિસ્તાન ન તો શાંતિ ઇચ્છે છે અને ન તો કરારોનું સન્માન કરે છે.

શનિવારે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આપેલા નિવેદનમાં તેમની હતાશા અને વ્યૂહાત્મક મૂંઝવણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતે પહેલગામ હુમલાને બહાનું બનાવીને યુદ્ધ લાદ્યું હતું અને તેમની સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો.ભારતે રહેણાંક વિસ્તારો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હોવાનો શાહબાઝ શરીફનો આરોપ વાસ્તવિકતાથી પર છે. ભારતીય સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણા અને લોન્ચ પેડને જ નિશાન બનાવ્યા, જે વર્ષોથી ભારત વિરુદ્ધ હુમલાઓનું કેન્દ્ર રહ્યા હતા.