મહારાષ્ટ્રમાં શિવસેના પછી હવે NCPમાં પણ ડખા! આ નેતાએ પવારને બતાવ્યો પાવર

December 16, 2024

મહારાષ્ટ્રમાં શિવસેના પછી હવે NCPમાં પણ ડખા ચાલુ થઈ ગયા છે.  મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને સ્થાન ન અપાતાં તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. ભુજબળના સમર્થકોએ નાશિકમાં NCP કાર્યાલયની બહાર ટાયરો સળગાવ્યા હતા. ગઈકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના મંત્રીઓએ શપથ લીધા હતા. નવી મહાયુતિ સરકારમાં 39 મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના ક્વોટામાંથી 19 મંત્રીઓ, શિવસેના શિંદે જૂથના ક્વોટામાંથી 11 મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે NCP અજિત પવારના ક્વોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવ્યા છે. આ નવ મંત્રીઓમાં NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળ સામેલ કરવામાં નહોતા આવ્યા. આ વાતથી નારાજ સમર્થકો રોષે ભરાયા છે.  બીજી તરફ જ્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ અને NCP પ્રમુખ અજિત પવારને છગન ભુજબળને કેબિનેટમાં સ્થાન ન આપવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ અંગે કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે અજિત પવારે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ માત્ર અઢી વર્ષ માટે જ સરકારમાં રહેશે. અઢી વર્ષ બાદ બીજા ધારાસભ્યોને તક આપવામાં આવશે.