સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી

July 19, 2026

દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોની અરજી પર કોઈ વચગાળાની રાહત આપી નથી. કોર્ટે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ મિની પુષ્કર્ણાની કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાંગચુકના કથળતા આરોગ્યને જોતા તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો સરકારનો નિર્ણય કોઈપણ રીતે મનસ્વી કે ગેરકાનૂની નથી. જ્યારે કોઈ સામાજિક કાર્યકર્તા જનહિતના મુદ્દે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરે છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની જવાબદારી કોની બને છે? શું સરકાર તેમની મરજી વિરુદ્ધ તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકે? આવા જ કેટલાક જટિલ કાનૂની અને નૈતિક સવાલો વચ્ચે, દિલ્હી હાઈકોર્ટે રવિવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક ડિસ્ચાર્જ આપવાનો ઇનકાર કરી દીધો છે.


કોર્ટે નોંધ્યું હતું કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર ડોક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા છે. આ સ્થિતિમાં, તેમના શારીરિક સ્વાયત્તતાના અધિકારનું કોઈ ઉલ્લંઘન થયું નથી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું, કે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, સરકારે વાંગચુકના સ્વાસ્થ્યને કારણે જ તેમને હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો છે, તેથી આ કોર્ટ તેને કોઈ મનસ્વી પગલું માનતી નથી. અદાલતે વધુમાં ઉમેર્યું હતું કે, વાંગચુકની ગંભીર સ્થિતિ હોવા છતાં તેમણે પોતાની મરજીથી હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો, જેથી સરકાર માટે દખલગીરી કરવી કાનૂની રીતે યોગ્ય હતી. આ ઉપરાંત, કોર્ટે એ વાતની પણ નોંધ લીધી કે વાંગચુકના પરિવારને સામાન્ય દર્દીઓ કરતાં વધુ છૂટછાટ આપવામાં આવી છે અને આખો દિવસ તેમની પાસે રહેવાની મંજૂરી સાથે અલગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં કોર્ટે તેમની તબીબી રિપોર્ટ્સ પરિવાર સાથે શેર કરવાનો આદેશ આપીને આગામી સુનાવણી 24 જુલાઈના રોજ નક્કી કરી છે.