અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી

April 13, 2025

મિત્રની ડિગ્રીમાં ચેડા કરીને મેટ્રોમાં મેળવી નોકરી

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રોમાં મિત્રની જ ડીગ્રીમાં ચેડા કરીને મેગા પ્રોજેક્ટના AGM બની બેઠેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે મિત્રએ RTI કરીને માહિતી માંગી હતી અને પછી આરોપીએ કરેલા કાંડનો ભાંડો ફૂટ્યો હતો. જેને લઈને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પંકજ પ્રસુનસિંગ નામના વ્યક્તિએ  તેના મિત્ર કપિલ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કપિલ શર્માએ પંકજની  ડિગ્રી સાથે ચેડી કરીને અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGM તરીકે નોકરી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે પંકજે RTI કરીને માહિતી મેળવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, તજાકિસ્તાનમાં આરોપી કપિલ અને ફરિયાદી પંકજ સાથે નોકરી કરતા હતા. એ સમયે આરોપીએ ભાગીદારીમાં અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરવા પંકજની ડિગ્રી સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. જો કે, આ પછી આરોપીએ મિત્રના ડોક્યુમેન્ટમાં ચેડા કરીને અમદાવાદ મેટ્રોમાં નોકરી મેળવી લીધી હતી.