એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને આપી દેવાયું : પ્રિયંકા ગાંધીના પ્રહાર

December 13, 2024

દિલ્હી : સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે જ્યોર્જ સોરોસ અને સોનિયા ગાંધી વચ્ચે આર્થિક સાંઠગાંઠનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દાથી માહોલ ગરમાયો હતો. ત્યારે આજે લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા થઇ જેમાં પ્રિયંકા ગાંધીએ પહેલીવાર લોકસભામાં ભાષણ આપીને અદાણી સહિત વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. 


રાજનાથ સિંહે આજે કોંગ્રેસને બાનમાં લેતાં આરોપ મૂક્યો હતો કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે બંધારણમાં સુધારાઓ કર્યા છે. તમામ સુધારાઓનો ઉદ્દેશ સામાજિક કલ્યાણનો છે. અમે આર્ટિકલ 370 દૂર કરી જેથી ભારતની અખંડતા જળવાઈ રહે. અમે જીએસટી કાયદો બનાવ્યો, ટેક્સના દરો નિર્ધારિત કર્યા, લોકોનું જીવન સરળ બનાવ્યું. કોંગ્રેસની જેમ અમે ક્યારેય રાજકીય હિતો માટે બંધારણનો ઉપયોગ કર્યો નથી. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે, બંધારણમાં 17 વખત સંશોધન કરવામાં આવ્યા અને ઈન્દિરા ગાંધીએ 28 વખત ફેરફારો કર્યા. રાજીવ ગાંધીએ પણ 10 વખત સુધારાઓ કર્યા હતા. મનમોહન સિંહે પણ સાત વખત સંશોધન કર્યા હતા. પરંતુ આ સુધારાઓ ખોટી નીતિઓ લાગુ કરવા માટે હતા, પ્રજાના કલ્યાણ માટે નહીં.


આ ભાષણ દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહના આરોપોના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'સમગ્ર જવાબદારી જવાહરલાલ નેહરુ પર નાખવામાં આવે છે, તમે વર્તમાનની વાત કેમ નથી કરતા. તમે શું કર્યું એ વાત કરો ને.'


પ્રિયંકાએ તેમના ભાષણમાં અદાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'ભાજપ સરકાર પણ અદાણીના નફાથી જ ચાલી રહી છે. અદાણીને ભાજપ સરકારે કોલ્ડ સ્ટોરેજ આપી દીધા. એક વ્યક્તિ માટે 142 કરોડ દેશવાસીઓની અવગણના કરી. બિઝનેસ, સંસાધન, પૈસા-ફંડ, બંદર, એરપોર્ટ, રોડ, રેલવે પ્રોજેક્ટ, કારખાના, ખાણ, સરકારી કંપનીઓ પણ અદાણીને આપી દીધી. એટલા માટે આજ સુધી જે ગરીબ છે તે ગરીબ જ રહ્યા અને જે ધનિક છે તે વધુને વધુ ધનિક બની ગયા.'