ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં ફસાયેલા તમામ સાત ખાણિયાઓના મોત

March 16, 2024

 ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસાની ખાણના ભૂગર્ભમાં સોમવારથી ફસાયેલા તમામ સાત ખાણિયાઓના મોત થયા છે. 5 દિવસથી ખાણમાં ફસાયેલા કામદારોને ચીની વહીવટી તંત્ર દ્વારા સમયસર મદદ ન મળતા તમામ મજૂરોના મોત થયા હતા. હવે આ તમામના મૃતદેહો ખાણમાંથી મળી આવ્યા છે.

સ્થાનિક અધિકારીઓએ શનિવારે આની પુષ્ટિ કરી હતી. કોલસાની ખાણના માલિક ગાઓ નાયચુને જણાવ્યું હતું કે સોમવારે મધ્યરાત્રિએ, જ્યારે ખાણકામદારો કોલસાના ફીડરનું સમારકામ કરી રહ્યા હતા, ત્યારે વેરહાઉસમાં કોલસાનો ઢગલો તૂટી પડ્યો હતો, જેમાં સાત લોકો દટાયા હતા.

કાઉન્ટી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનની કોલસાની ખાણમાં બચાવ કામગીરી દરમિયાન શુક્રવારે છેલ્લો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી બચાવ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ગાઓએ જણાવ્યું હતું કે કોલસાની ખાણમાં કોલસાના ભંગાણથી પાણીની પાઈપો તૂટી ગઈ હતી, જેના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા અને બચાવ કામગીરી દરમિયાન મુશ્કેલી ઊભી થઈ હતી.