તિબેટમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળથી લઈને ભારતના અનેક રાજ્યોમાં આંચકા અનુભવાયા

May 12, 2025

11-12મેની રાત્રે 2:41 વાગ્યે ચીનના કબજા હેઠળના તિબેટમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 5.6 મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 9 કિમીની ઊંડાઈએ હતું જેના કારણે ભારે આંચકા અનુભવાયા હતા. ભારતના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અને USGS એ આ ભૂકંપની તીવ્રતા નોંધીને પુષ્ટી કરી હતી. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂકંપની તીવ્રતા અને વ્યાપ એટલો વધારે હતો કે પાડોશી દેશ નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા હતા. જ્યારે ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય વગેરે જેવા ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ અનુભવાયો હતો. જોકે અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.