પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

April 12, 2025

ભૂકંપના કારણે છેલ્લા એક મહિનામાં ઘણા દેશોએ પોતાના નાગરિકો ગુમાવ્યા છે ત્યાં આજે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા આવતા લોકોના જીવ પડીકે બંધાયા છે. પાકિસ્તાનમાં 12મી એપ્રિલ બપોરના સમયે 5.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ, રાવલપિંડી, અટક, ચકવાલ, પંજાબ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પેશાવર, શબકદર, મર્દન જેવા વિસ્તારોમાં પણ ધરા ધ્રુજી હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાવલપિંડીથી 60 કિમી દૂર ઉત્તર-પશ્ચિમમાં હતું. નોંધનીય છે કે ગયા મહિને જ 28 માર્ચે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મ્યાનમારમાં ભૂકંપના કારણે થાઇલૅન્ડમાં પણ ભારે નુકસાન થયું હતું.