પત્તું કપાતા નારાજ યુવા દલિત નેતાનો કોંગ્રેસને ઝટકો, રાજીનામું આપતાં લગાવ્યાં ગંભીર આરોપ

April 17, 2024

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી અંગે રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન કોંગ્રેસની મુશ્કેલી ફરી વધી છે. અહીં પાર્ટીના એક દિગ્ગજ નેતાએ પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. દેવાશીષ જરારિયા કોંગ્રેસના યુવા અને દલિત નેતા હતા.  2019માં ભિંડ-દતિયા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા દેવાશીષ જરારિયાએ આજે તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી. તે પાર્ટીના યુવા દલિત નેતા તરીકે ઓળખ ધરાવે છે. પાર્ટી છોડતાં કોંગ્રેસ પર અનેક ગંભીર આરોપો લગાવતાં તેમણે કહ્યું કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ મારી રાજકીય હત્યા કરવાની જવાબદારી ઉપાડી છે. કોંગ્રેસે મને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધો. તેમણે કહ્યું કે પાર્ટી 5 વર્ષથી વાયદો કરી રહી હતી કે ભિંડથી લોકસભાની ટિકિટ મને આપવામાં આવશે. પણ સમય આવતા બધા ફરી ગયા. મેં દિવસ રાત મહેનત કરી પણ જૂથવાદ દ્વારા કોંગ્રેસે જ કોંગ્રેસને નિપટાવી દીધી. આ પાર્ટીમાં જે આંતરિક હુમલા કરે છે તેને જ વધારે માન અપાય છે જે મારા ચરિત્રમાં નથી. પાર્ટી ઓબીસી અને મહિલાઓ વિશે વાત કરે છે પણ ટિકીટ નથી આપતી. આ વખતે પાર્ટીએ દેવાશીષની જગ્યાએ ભાંડેરના ધારાસભ્ય ફુલ સિંહ બારૈયાને ભિંડથી લોકસભાના ઉમેદવાર બનાવાયા હતા. તેના બાદથી દેવાશીષ નારાજ હતા.