સલમાન ખાનની વધુ એક ફિલ્મ કોરાણે મૂકાઈ ગઈ

April 21, 2025

મુંબઈ: સલમાન ખાનને કેરિયરમાં એક પછી એક ફટકા પડી રહ્યા છે. હવે  ભારતીય જાસૂસી સંસ્થા રોના એજન્ટ  રવિન્દ્ર કુમાર પર બનનારી તેની મુખ્ય ભૂમિકા ધરાવતી બાયોપિક પણ મુલત્વી કરી દેવામાં આવી છે. આ ફિલ્મના સર્જક  રાજ કુમાર ગુપ્તાએ તાજેતરમાં જાહેર કર્યું હતું કે પોતાની પાસે આ બાયોપિકના રાઈટ્સ હતા પરંતુ તેની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે અને પોતે હવે રાઈટ્સ રીન્યૂ કરાવ્યા નથી. તેમણે સ્વીકાર્યું હતું કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે સલમાન ખાન સાથે વાત થઈ હતી. સલમાનની તાજેતરમાં 'સિકંદર' ફિલ્મ મહાફલોપ પુરવાર થઈ છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સલમાને કોઈ મોટી હિટ ફિલ્મ આપી નથી અને હવે મોટા મોટા  નિર્માતાઓ સલમાનને કાસ્ટ કરીને રોકાણનું જોખમ ઉઠાવતાં ખચકાય છે.  આ પહેલાં સલમાનની સાઉથના ફિલ્મ સર્જક એટલી સાથેની ફિલ્મ પણ મુલત્વી થઈ ચૂકી છે.