સંભલમાં 22 જગ્યાઓ પર ગુપ્ત રીતે ASI સર્વે, 5 તીર્થ અને 19 કુવાનું કર્યું નિરીક્ષણ

December 20, 2024

સંભલ- ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિર મળવાનો મુદ્દો ગરમાયો છે. ઉત્તરપ્રદેશના સંભલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે શુક્રવાર (20 ડિસેમ્બર, 2024)ના રોજ પ્રાચીન શિવ મંદિર અને કૂવાઓનું નિરીક્ષણ કર્યું. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ અહીં મંદિરમાં કાર્બન ડેટિંગ કર્યું હતું. એએલઆઈ દ્વારા સંભલ સ્થિત પ્રાચીન કાર્તિકેય મંદિરની ગુપ્ત રીતે કાર્બન ડેટિંગ હાથ ધરી હતી. આ પ્રક્રિયા માટે ચાર સભ્યોની નિષ્ણાત ટીમ તહેનાત કરવામાં આવી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પાંચ તીર્થસ્થળો અને 19 પ્રાચીન કૂવાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. સંભલના ડીએમના અનુસાર, મંદિરનો સર્વે થઈ ચૂક્યો છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર મામલાને સુરક્ષાના કારણોથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો. 


ASIની ટીમે ભદ્રકાશ્રમ, સ્વર્ગદીપ, ચક્રપાણિ, પ્રાચીન તીર્થ સ્મશાન મંદિર સહિત 19 કૂવાઓનો સર્વે કર્યો. જો કે, ASIએ તંત્રને અપીલ કરી હતી કે ASI નિરીક્ષણને મીડિયા કવરેજથી દૂર રાખવામાં આવે. જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે 6 વાગ્યાથી નિરીક્ષણ થયું. કોર્ટના આદેશ બાદ શાહી જામા મસ્જિદમાં કરાયેલા સર્વેક્ષણને લઈને 24 નવેમ્બરે હિંસા ભડકી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જેના કારણે આજે (શુક્રવાર) કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે સવારથી જ મંદિર પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરાયું હતું. અહેવાલો અનુસાર, એએલઆઈની ટીમે સંભલ વિસ્તારમાં હાજર 19 પ્રાચીન કૂવાઓની સ્થિતિ અને ઐતિહાસિક સ્થળોનું પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. સંભલ પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે જાણીતું છે.