3 માસૂમ બાળકો સાથે માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો સામૂહિક આપઘાત

December 21, 2024

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની એક કરુણ ઘટના સામે આવી છે. એક મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આજે સવારે ઘરનો દરવાજો ન ખૂલતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. કોતવાલી ગામના ભદોહીમાં રહેતા સંદીપ ઉર્ફે રાજતેજા દારૂનો વ્યસની છે. દારૂ પીને તે દરરોજ પત્નીને મારતો હતો. તેનાથી પરેશાન થઈને પત્ની દુર્ગેશ્વરીએ (30) તેની દોઢ વર્ષની બે દીકરીઓ લક્ષ્મી અને ઉજાલા અને માસૂમ પુત્ર રોનક સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.  સવારે લાંબા સમય સુધી રૂમ ન ખૂલ્યો ત્યારે દરવાજો ખખડાવતા અંદરથી કોઈ અવાજ ન આવતા ત્યાં પહોંચેલા પાડોશીઓએ દરવાજો તોડી નાખ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના કોતવાલીના ભદોહી ગામની છે. ઘટના અંગે પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે મૃતકનો પતિ દારૂ પીધેલો હતો અને તે ઘણીવાર તેને મારતો હતો. ઘરમાં આર્થિક સંકટ પણ હતું. આથી, મારપીટ અને આર્થિક સંકડામણથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી હોય તેવી શંકા છે. હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે.