40 વર્ષ બાદ ભોપાલ ગેસ કાંડનો ઝેરીલો કચરો ઉઠાવવાનું શરુ, 250 કિ.મી. દૂર લઈ જવા ગ્રીન કોરિડોર બનશે

December 30, 2024

40 વર્ષ પહેલાં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે 40 વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં દબાયેલા ઝેરીલા કચરાને ખતમ કરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. 377 મેટ્રિક ટન કચરો મધ્યપ્રદેશના ભોપાલથી 250 કિલોમીટર દૂર બાળવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્લાન પ્રમાણે ઇન્દોરના પીથમપુરામાં તેને ડિસ્પોઝ કરવામાં આવશે.  મધ્ય પ્રદેશ સરકારે હાઇકોર્ટની ફટકાર બાદ આ કાર્યવાહી હાથ ધરી છે. એક અઠવાડિયા પહેલાં જ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સરકારને ફટકારને લગાવી હતી. હાઇકોર્ટે ભોપાલમાં ફેકટરી સાઇડથી કચરો ન હટાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, સતત નિર્દેશ આપવા છતાં પણ કચરાનો નિકાલ કેમ કરવામાં નથી આવી રહ્યો? જ્યારે આ અંગે સુપ્રીમ કોર્ટની સાથે-સાથે હાઇકોર્ટે પણ નિર્દેશ જારી કર્યો છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે, 'નિષ્ક્રિયતાની સ્થિતિ' વધુ એક દુર્ઘટનાનું કારણ બની શકે છે. ઝેરીલા કચરાને ઇન્દોર લઈ જવા માટે સવારમાં GPSથી સજ્જ અડધો ડઝન ટ્રક યુનિયન કાર્બાઇડ ફેક્ટરી સાઇટ પર પહોંચી હતી. તેની સાથે લીક પ્રૂફ કન્ટેનર પણ હતા. ઘટના સ્થળ પર PPE કીટ પહેરેલા કર્મચારીઓ, ભોપાલ નગર નિગમના કર્મચારીઓ, પર્યાવરણીય એજન્સીઓના લોકો, ડૉક્ટરો અને કચરાનો નિકાલ કરનારા નિષ્ણાતો પણ હાજર હતા. ફેક્ટરીની આસપાસ પોલીસ જવાનોને પણ તહેનાત કરી દેવામાં આવ્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે, યોજના હેઠળ ઇન્દોરના પીથમપુરામાં ઝેરી કચરાને બાળવામાં આવશે. આ વિસ્તાર રાજધાની ભોપાલથી લગભગ 250 કિલોમીટર દૂર છે. મધ્યપ્રદેશના ગેસ રાહત અને પુનર્વસન વિભાગના ડાયરેક્ટર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે, પીથમપુરામાં ઝેરી કચરો પહોંચાડવા માટે 250 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે કચરાના પરિવહન અને નિકાલની તારીખ નથી જણાવી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, 3 જાન્યુઆરી સુધીમાં કચરો પીથમપુરા પહોંચી જશે. ડાયરેક્ટર સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું કે શરુઆતમાં કચરાનો થોડો હિસસો પીથમપુરના કચરાના નિકાલ યુનિટમાં બાળવામાં આવશે અને તેમાં કોઈ હાનિકારક તત્ત્વ તો નથી બચ્યા ને તે જાણવા માટે તેના અવશેષો(રાખ)ની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે. જો બધું બરાબર રહ્યું તો 3 મહિનામાં કચરો બળીને રાખ થઈ જશે. પરંતુ જો બળવાની ગતિ ધીમી રહી તો 9 મહિના જેટલો સમય લાગી શકે છે. ભટ્ટી સળગતાં કચરામાંથી નીકળતો ધુમાડો 4 લેયર ફિલ્ટરમાંથી પસાર થશે જેથી આસપાસની હવા પ્રદૂષિત ન થાય. આ પ્રક્રિયાની દરેક ક્ષણ રૅકોર્ડ કરવામાં આવશે.