જજના સંબંધીઓને મોટો ઝટકો, નહીં બની શકે જજ, કોલેજિયમમાં નામ આગળ ન વધારવા અંગે વિચારણા

December 30, 2024

હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઊભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ પેઢીના વકીલોને મહત્તવ આપવામાં આવતું નથી. તેના બદલે, જે લોકો બીજી પેઢીના વકીલો છે અને જેમના પરિવારના સભ્યો પહેલેથી જ જજ છે તેઓને જજ તરીકે બઢતી આપવામાં આવે છે. હવે આ ધારણાને ખતમ કરવાની પહેલ કોલેજિયમ તરફથી આવી શકે છે.   અહેવાલ અનુસાર, કોલેજિયમ એવા લોકોના નામ આગળ મૂકવાથી બચશે, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ હાઇકોર્ટ અથવા સુપ્રીમકોર્ટના જજ છે. જો આમ થશે તો કોલેજિયમ દ્વારા જજોની પસંદગી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે. ન્યાયાધીશોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ ભૂતકાળમાં પણ કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા છે. કોલેજિયમમાં સમાવિષ્ટ કેટલાક ન્યાયાધીશોએ જ પ્રસ્તાવ મૂક્યો હતો કે એવા લોકોના નામ આગળ ન મૂકવા જોઈએ, જેમના પરિવારના સભ્યો અથવા સંબંધીઓ પહેલાથી જ જજ રહી ચૂક્યા છે. જ્યારે આ અંગે ચર્ચા થઈ ત્યારે એ વાત પણ સામે આવી કે આવા નિર્ણય લેવાથી અમુક લાયકાત ધરાવતા લોકો દૂર થઈ શકે છે. કોલેજિયમમાં દલીલ કરવામાં આવી હતી કે આ લોકો સફળ વકીલ તરીકે સારું જીવન જીવી શકે છે. આ લોકોને પૈસા કમાવવાની તકોની કોઈ કમી નહીં હોય. ભલે તે કેટલાક લોકો માટે હાનિકારક હશે, પરંતુ મોટા હિતમાં આ નિર્ણય ખોટો નથી. કોલેજિયમ પોતે જ આવો નિર્ણય લે છે તે મહત્ત્વપૂર્ણ છે કારણ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે 2015માં રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચને ફગાવી દીધું હતું.