વરુણ ધવનની બેબી જ્હોન ફલોપ, અનેક થિયેટરમાંથી ઉતારી લેવાઈ

December 30, 2024

મુંબઈ: ટ્રેડ વર્તુળોમાં ધારણા સેવાતી હતી તેમ વરુણ ધવનની 'બેબી જ્હોન' ફિલ્મ ફલોપ સાબિત થઈ છે. નાતાલની રજા દરમિયાન રીલિઝ થયાના પછી રોજેરોજ તેનું કલેક્શન ઘટી રહ્યું છે અને ચાર દિવસમાં તે ૨૦ કરોડના આંક પર પણ માંડ પહોંચી શકી છે. અનેક થિયેટરોમાં તેના શોઝમાં માંડ ૧૦ ટકા પ્રેક્ષકો ફરક્યા હતા. આથી સંખ્યાબંધ થિયેટર સંચાલકોએ આ ફિલ્મના શોઝ કેન્સલ કરવા માંડયા છે. કેટલાકે તેની જગ્યાએ 'પુષ્પા ટૂ' તો કેટલાકે તેની જગ્યાએ હિંદીમાં ડબ થયેલી મલયાલમ ફિલ્મ 'માર્કોસ'ના શો શરુ કરી દીધા છે. 'બેબી જ્હોન'નું પહેલા દિવસનું કલેક્શન ૧૨ કરોડ રહ્યું હતું. પરંતુ, તે પછી તેને વીક એન્ડની રજાઓમાં પણ પ્રેક્ષકો મળ્યા નથી. ટ્રેડ વર્તુળોએ અગાઉ જ આગાહી કરી હતી તેમ વરુણ ધવન મોટાભાગે ફલોપ કલાકાર જ રહ્યો હોવાથી તેનામાં કોઈ ફિલ્મને સોલો હિરો તરીકે ટિકિટબારી પર ખેંચી શકવાનું કૌવત જ નથી.  ફક્તે નેપોકિડ હોવાના કારણે તેને ફિલ્મો મળ્યા કરે છે બાકી તે કમર્શિઅલ સદંતર ફલોપ કલાકાર છે. ટ્રેડ વર્તુળોએ એવો પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે વામિકા ગબ્બી જેવી ટેલેન્ટેડ કલાકાર આ ફિલ્મમાં વેડફાઈ ગઈ છે. ટ્રેડ સૂત્રોએ જણાવ્યું હતું કે મધ્ય ભારતનાં મોટાભાગનાં સિંગલ સ્ક્રીન થિયેટર્સ દ્વારા 'બેબી જ્હોન' ઉતારી લેવામાં આવી છે. આ થિયેટર સંચાલકોને તો આ ફિલ્મ ચલાવવામાં  ડેઈલી ઓપરેશનલ કોસ્ટ જેટલું પણ મળતર ન હોવાથી તેમણે આ ફિલ્મને ઉતારી લીધી છે.