દિલ્હીની ચૂંટણી પહેલા જ કેજરીવાલને ઝટકો: LGએ EDને આપી કેસ ચલાવવાની મંજૂરી

December 21, 2024

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી દીધી છે. EDએ આ કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માસ્ટરમાઇન્ડ ગણાવતા 21 માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મે મહિનામાં તેમની, પાર્ટી અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મંજૂરી આપી દીધી છે. 5 ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી. આ મહિનાની શરૂઆતમાં EDએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. કેન્દ્રીય એજન્સીએ દારૂની નીતિની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. EDએ 17 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલે 'સાઉથ ગ્રુપ'ના સભ્યો સાથે મળીને 100 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આમ આદમી પાર્ટીએ EDના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પાર્ટીનું કહેવું છે કે કથિત દારૂ કૌભાંડની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, જેમાં 500 લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. તેમજ 50,000 પાનાના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે અને 250 થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ આ કાર્યવાહીમાં એક પણ પૈસો વસૂલવામાં આવ્યો નથી. AAPએ એ પણ કહ્યું આ કેસમાં ઘણી ખામીઓ સામે આવી છે. પાર્ટીનું માનવું છે કે ભાજપનો વાસ્તવિક ઉદ્દેશ્ય AAP અને અરવિંદ કેજરીવાલને પરેશાન કરવાનો છે.