મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ : પતિ-પત્ની અને બે બાળકોના મોત

December 21, 2024

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ ઘટના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘરના ભોંયતળિયે જ એક ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

થોડીવારમાં આગ આખા બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બીજા માળે રહેતા પતિ, પત્ની અને બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોની ઓળખ દિનેશ, તેની પત્ની ગાયત્રી, પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગ તરીકે થઈ છે. દિનેશ વ્યવસાયે સુથાર હતો અને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી પણ ચલાવતો હતો. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.