અમેરિકામાં યહૂદીઓના કાર્યક્રમમાં ફરી હુમલો, ભીડ પર બોમ્બ ઝીંક્યો, FBIએ આતંકી ઘટના ગણાવી

June 02, 2025

અમેરિકાના કોલોરાડોમાં એક શખ્સે યહૂદી કાર્યક્રમ દરમિયાન હુમલો કરી દીધો હતો. મોલોટોવ કૉકટેલ(જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ)થી કરવામાં આવેલા આ હુમલામાં આશરે 6 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ફ્રી પેલેસ્ટાઇન જેવા નારા લગાવવામાં આવ્યા હતા. હાલ, પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. FBI(ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.  મળતી માહિતી મુજબ, કોલોરાડોના બોલ્ડરમાં ઈઝરાયલના બંધકોની યાદમાં એક સમૂહ ભેગું થયું હતું. આ દરમિયાન એક શખ્સે ભીડ પર મોલોટોવ કૉકટેલ્સ ફેંક્યું હતું. આ સાથે તેણે ફ્લેમથ્રોઅપરથી હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સુલેમાન તરીકે થઈ છે. હુમલાખોરે ભીડ પર હુમલો કરતી વખતે પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો હતો.  બોલ્ડર પોલીસ પ્રમુખ સ્ટીફન રેડફર્ને જણાવ્યું કે, એક શખ્સના હથિયાર લઈને ફરવા અને લોકોને બાળી નાંખવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોમાં તમામની ઉંમર 67થી 88 વર્ષની વચ્ચે છે. તમામ લોકોને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક દર્દીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  હાલ હુમલાખોરને લઈને પોલીસે વધુ જાણકારી નથી આપી. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને આરોપીએ એકલાએ જ અંજામ આપ્યો હતો અને ઘટનાસ્થળ પર કોઈ અન્ય શંકાસ્પદ વ્યક્તિ જોવા નથી મળી. ખાસ વાત એ છે કે, આ હુમલામાં હુમલાખોર પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ઈજા કેટલી અને કેવી છે?