સુરતમાં 11 વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ, બુમાબુમ કરતા નરાધમ ભાગ્યો, પોલીસે કરી અટકાયત

October 12, 2024

ડુમ્મસ રોડના મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદાર દંપતીની પહેલા માળે એકલી સુતેલી 11 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ પાણીની બોટલ મુકવા આવતા રાજસ્થાની નરાધમ યુવાને દુષ્કર્મનો પ્રયાસ કરતા મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે 22 વર્ષીય અપરિણીત નરાધમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ડુમ્મસ રોડ સ્થિત મગદલ્લા ગામ વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારનું દંપતી રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફલોરના ભાગે કરિયાણાની દુકાન ચલાવે છે. ગત સવારે દંપતી દુકાનના કામમાં વ્યસ્ત હતા જયારે તેમની 11 વર્ષની ધો. 5 માં અભ્યાસ કરતી પુત્રી પહેલા માળે સુતેલી હતી. દરમિયાનમાં સવારે 9.40 કલાકે રાબેતા મુજબ પાણીની બોટલ મુકવા હીરાલાલ ગુર્જર (ઉ.વ. 22 રહે. પરવટ પાટિયા અને મૂળ રાજસ્થાન) આવ્યો હતો. 

હીરાલાલ પાણીની બોટલ મુકવા પહેલા માળે ગયો હતો અને કિચનમાં બોટલ મુકી હતી. ત્યાર બાદ તેની નજર રૂમમાં સુતેલી 11 વર્ષની બાળકી ઉપર પડી હતી. બાળકીને જોઇ નરાધમ હીરાલાલના મગજમાં હવસનો કીડો જાગ્યો હતો અને બહાર આવી આજુબાજુ નજર કર્યા બાદ રૂમમાં જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યાર બાદ પોતાનું પેન્ટ ઉતાર્યુ હતું અને બાળકીના આંતરવસ્ત્ર કાઢી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્દનસીબે બાળકી જાગી જતા બુમાબુમ કરતા પકડાઇ જવાના ડરે નરાધમ હીરાલાલ ભાગી ગયો હતો.