હિન્દુ યુવકો પર હુમલા મામલે બાંગ્લાદેશનો જવાબ, કહ્યું- આ છૂટીછવાઈ ગુનાહિત ઘટના

December 28, 2025

ઢાંકા ઃ હાલના દિવસોમાં હિન્દુ યુવકો પર હુમલા કરી ભીડ દ્વારા હત્યા કરવામાં આવી છે. જે બાદ ભારતે ચિંતા વ્યક્ત  કરી હતી. જોકે આ મુદ્દે હવે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે ભારતની ટિપ્પણી 'તથ્યહિન' છે. 

બાંગ્લાદેશની સરકારે કહ્યું છે કે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને લઈને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં લાંબા સમયથી તમામ સમુદાય વચ્ચે શાંતિ અને ભાઈચારો છે. ગુનાહિત ઘટનાઓને જાણી જોઈને હિન્દુ વિરુદ્ધ અત્યાચારના રૂપમાં દર્શાવવામાં આવી રહી છે. આ ગુનાહિત ઘટનાઓને મુદ્દો બનાવી ભારતના અમુક હિસ્સાઓમાં બાંગ્લાદેશ વિરુદ્ધ માહોલ તૈયાર કરાઈ રહ્યો છે તથા બાંગ્લાદેશના દૂતાવાસ વિરુદ્ધ લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ બાંગ્લાદેશે અપીલ કરી કે ભ્રામક વાતો ફેલાવવાથી બચો જેથી પડોશી સંબંધોને નુકસાન ન થાય. બાંગ્લાદેશનો દાવો છે કે છૂટીછવાઈ ગુનાહિત ઘટનાઓને હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર તરીકે દર્શાવવામાં આવે છે.  બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું, કે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે લોકોનો ઉલ્લેખ કર્યો તેમાંથી એક તો લિસ્ટેડ અપરાધી હતો. તે તેના એક મુસ્લિમ સહયોગી સાથે મળી ખંડણી માંગતો હતો. તેના મુસ્લિમ સહયોગીની ધરપકડ કરી લેવાઈ છે.