બાંગ્લાદેશની યુનુસ સરકારનું ભારતવિરોધી પગલું, દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ

April 16, 2025

બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય હેઠળ બેનાપોલ, ભોમરા, સોનામસ્જિદ, બંગલાબંધા અને બુરિમારી જેવા પ્રમુખ ભૂમિ બંદરો દ્વારા દોરાની આયાતની મંજૂરી હવે નહીં મળે. આ પગલું  BTMA (બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન)ની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતથી સસ્તા ભાવે દોરા આયાત કરવાથી સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. BTMAનું કહેવું છે કે, ભારતથી જમીન માર્ગે આયાત કરવામાં આવતા દોરાની કિંમત સમુદ્રી માર્ગે આવતા દોરાની તુલનામાં ઘણી ઓછી છે, જેનાથી સ્થાનિક મિલને પ્રતિસ્પર્ધામાં નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઉદારહણ રૂપે, બાંગ્લાદેશમાં 30 સિંગલ દોરાની કિંમત 3.40 ડૉલર પ્રતિ કિલોગ્રામ છે, જોકે ભારતમાં તે 2.90 ડોલર અને વિયેતનામમાં 2.96 ડોલર પ્રતિ કિલોગ્રામ છે. આ સિવાય, BTMA એવો પણ આરોપ લગાવ્યો કે, જમીન માર્ગના બંદરો પર પૂરતી માળખાગત સુવિધાઓ અને ચેકિંગ સુવિધાઓનો અભાવ આયાતકારો ખોટી ઘોષણા દ્વારા કરચોરી કરી રહ્યા છે.જોકે, બાંગ્લાદેશના ગાર્મેન્ટ નિકાસકારોએ આ નિર્ણયને "આત્મઘાતી" ગણાવ્યો છે. BKMEA (બાંગ્લાદેશ નીટવેર મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન) ના પ્રમુખ મોહમ્મદ હાતેમે કહ્યું કે, આ પગલાંથી તૈયાર કપડાના નિકાસકારોનોટે ખર્ચ વધશે અને નાના-મધ્યમ ઉદ્યોગો (SMBs) માટે બજારમાં સ્પર્ધા કરવાનું વધુ મુશ્કેલ બનશે. બાંગ્લાદેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશના અર્થતંત્રનો આધારસ્તંભ છે. તે ભારતમાંથી થતી લગભગ 95% દોરાની આયાત પર આધારિત છે. બાંગ્લાદેશે 2024 માં 1.25 મિલિયન મેટ્રિક ટન દોરાની આયાત કરી હતી, જે 2023 કરતાં 31.5% વધુ છે.
આ નિર્ણયથી ભારત-બાંગ્લાદેશ વ્યાપાર સંબંધોમાં હાલ તણાવોમાં આ એક નવું પગલું છે. હાલમાં જ ભારતે બાંગ્લાદેશને ત્રીજા દેશોમાં માલ નિકાસ માટે તેના લેન્ડ કસ્ટમ સ્ટેશનો દ્વારા ટ્રાન્સશિપમેન્ટ સુવિધા રદ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સુવિધાથી ભારતીય એરપોર્ટ અને બંદરો પર ભીડ વધી રહી છે, જેના કારણે ભારતના પોતાના નિકાસ માટે વિલંબ અને ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.