ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વાદળ ફાટતા તબાહી, 4 પ્રવાસીઓના મોત, 15 લોકો ગુમ

July 23, 2025

પાકિસ્તાનમાં કુદરતનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. કાશ્મીર ક્ષેત્રના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને સાથે જ પૂરનું સંકટ યથાવત છે. વાદળ ફાટવાના કારણે 4 પ્રવાસીઓના મોત થયા છે. અને 15 લોકો ગુમ છે. દીમર જિલ્લામાં પૂરના કારણે પ્રવાસીઓના વાહનો તણાયા હતા. અહીં તંત્ર દ્વારા તમામ મદદ પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યુ છે.

વાદળ ફાટવાના કારણે ઘાયલ થયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા છે. અને સાથે જ વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. તો સાથે જ વીજળી, પાણી અને અન્ય સેવાઓ પણ પ્રભાવિત થઇ છે. અહીં ફસાયેલા પ્રવાસીઓને તંત્રની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. અને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. પૂરનું સંકટ વધુ ઘેરુ બનતા અહીંના બાગ-બગીચા, ઘર, બજાર તથા ઓફિસોને મોટું નુકસાન પહોંચ્યુ છે. ખેતરોમાં પાક નાશ પામ્યા છે.

ગોજલ પાસે પાસુ ક્ષેત્રમાં કરાકોરમ હાઇવેનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. આ માર્ગ પાકિસ્તાનને ચીન સાથે જોડનાર એકમાત્ર રસ્તો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પર્યાવરણ સંરક્ષણ એજન્સીના નિર્દેશક ખદીમ હુસૈને જણાવ્યુ હતુ કે, આ ક્ષેત્રમાં છ અઠવાડિયાથી ગરમીનો પારો વધુ ઉંચો જોવા મળી રહ્યો છે. જેના કારણે અહીં વાદળ ફાટવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. પર્વતીય વિસ્તાર હોવાના કારણે અહીં ભૂસ્ખલનના કારણે તબાહી વધી રહી છે.