દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ, જુઓ આંકડાનો ખેલ

July 23, 2025

આફ્રિકન મહાદ્વીપનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરીયા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આની પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. નાઇજીરીયાએ એવો કમાલ કરી બતાવ્યો છે કે, જે અમેરિકા, ચીન અને જાપાન જેવા દેશો પણ અત્યાર સુધી નથી કરી શક્યા. આ દેશનો GDP એટલે કે, કુલ ઘરેલુ ઉત્પાદન રાતોરાત 30 ટકા વધી ગયો છે. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે, નાઇજીરીયાએ આ સિદ્ધિ કેવી મેળવી એ જાણવા જેવું છે. હકીકતમાં નાઇજીરીયાએ તેના GDP ની ગણતરી કરવાની પદ્વતિ બદલી નાખી છે. દેશમાં GDP ની ગણતરી કરવા માટેનો આધાર વર્ષ 2010 થી 2019 કરી દીધુ છે. નાઈજીરીયાની સરકારે લગભગ એક દશકા બાદ આ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે, ત્યાર બાદ GDP માં ઉછાળો જોવા મળ્યો છે. નાઇજીરીયાએ અપનાવેલી નવી પદ્ધતિ પ્રમાણે વર્તમાન દર મુજબ નાઈજીરીયાનો 2024 નો GDP N372.82 લાખ કરોડ એટલે કે લગભગ 244 અબજ ડોલર  છે. આ વિશ્વ બેંક દ્વારા અંદાજિત 187.76 અબજ ડોલર કરતા અનેક ગણો વધારે છે. તાજેતરના ફેરફાર પછી હવે નાઇજીરીયાની અર્થવ્યવસ્થા દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત અને અલ્જેરિયા પછી આફ્રિકન મહાદ્વીપમાં ચોથું સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.  આ અંગે સરકારનું કહેવું છે કે, હવે GDPમાં ડિજિટલ સેવા ઉદ્યોગ, પેન્શન ફંડ અને અનૌપચારિક શ્રમ બજાર જેવા સેક્ટરોને ઉમેરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે વિકાસશીલ દેશો મોટાભાગે તેમના અર્થતંત્રનું કદ મોટું બતાવવા માટે નિયમિતપણે આ પ્રકારની પદ્ધતિનો સહારો લેતા હોય છે. આ ઉપરાંત નિષ્ણાતોએ એમ પણ કહ્યું છે કે, દર દસ વર્ષે આ પ્રકારના ફેરફાર કરવા જરૂરી છે.