આયર્લેન્ડમાં ભારતીય યુવક પર વંશીય હુમલો: કપડાં ઉતારી બ્લેડ મારી, મંત્રી અને પોલીસે જુઓ શું કહ્યું

July 23, 2025

વિદેશની ધરતી પર ભારતીયો અવારનવાર રંગભેદનો ભોગ બની રહ્યા છે. આર્યલેન્ડની રાજધાની ડબલિનમાં વંશીય ટોળાએ 40 વર્ષીય ભારતીય પર હુમલો કર્યો હતો. તેના કપડાં ફાડી ચહેરા, હાથ, અને પગ પર ઢોરમાર મારવામાં આવ્યો હતો. પીડિત અર્ધબેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. આર્યલેન્ડની રાજધાની ડબલિનમાં એક વંશવાદી ટોળાએ 40 વર્ષીય ભારતીય પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વ્યક્તિ સાથે મારપીટ કરી તેના કપડાં ફાડી નાખ્યા હતાં. વ્યક્તિના ચહેરા, હાથ, અને પગમાં ઢોર માર મારવામાં આવતાં તે લોહીલુહાણ થયો હતો. આ ભારતીય પર બાળકો સામે અયોગ્ય વ્યવહાર કરવાનો ખોટો આરોપ મૂકી મારપીટ કરવામાં આવી હતી. આયરિશ પોલીસે આ મામલે હેટ ક્રાઈમનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક મહિલાએ જણાવ્યું હતું કે, આ હુમલાખોરોએ ચાર દિવસમાં ચાર ભારતીયોને ટાર્ગેટ બનાવી તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, ગાર્ડા (આયરિશ રાષ્ટ્રીય પોલીસ)ને શનિવારે 19 જુલાઈના રોજ સાંજે સૂચના મળી હતી કે, રાજધાની ડબલિનના પાર્ક હિલ રોડ નજીક એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં પડ્યો છે. સૂચના મળતાં ગાર્ડા ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે વ્યક્તિને હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોરોએ ખોટો દાવો કરી વ્યક્તિને માર માર્યો હતો. આ દાવો પ્રમુખ દક્ષિણપંથી અને અપ્રવાસી-વિરોધી ઓનલાઈન એકાઉન્ટ્સ પર થઈ રહ્યો હતો.  પ્રત્યક્ષદર્શી આયરિશ મહિલાએ જણાવ્યું કે, મેં આ ભારતીય વ્યક્તિ પર હુમલો થતો જોયો હતો. હું મારા સાસરે જઈ રહી હતી, ત્યારે 13 હુમલાખોરો, જેમાં એક મહિલા પણ સામેલ હતી. તેઓ ભારતીય વ્યક્તિને ઢોરમાર મારી રહ્યા હતા. પીડિત લોહીલુહાણ હાલતમાં કરગરી રહ્યો હતો. હુમલાખોરોએ તેના કપડાં ઉતારી દીધા હતા. તેમના હાથના પંજામાં બ્લેડ લાગેલી હતી. તેઓ તેના વડે હુમલો કરી રહ્યા હતાં. બ્લેડ વાગતાં તે વ્યક્તિના માથા પર ગંભીર ઈજા થઈ હતી. મેં આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી.   આયરિશ  ન્યાય મંત્રી જિમ ઓ'કેલાધને જણાવ્યું કે, હુમલાખોરોએ વિદેશી નાગરિક પર ખોટા ગુનાનો આરોપ મૂક્યો હતો. લોકો ગુના માટે અપ્રવાસીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. પરંતુ જ્યારે મેં તેના આંકડા મગાવ્યા ત્યારે જાણવા મળ્યું કે, જેલમાં ગુનાઓ માટે બંધ દોષિતોમાં અપ્રવાસીઓની સંખ્યા તદ્દન ઓછી છે. અર્થાત અમુક અસામાજિક તત્વો અપ્રવાસીઓને ટાર્ગેટ બનાવી તેમના પર હુમલા કરી રહ્યા છે. તેઓ તેમના પર ખોટા આરોપો પણ મૂકી રહ્યા છે.