ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો

July 22, 2025

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચોમાસું સત્રના પહેલા દિવસે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે બંધારણની કલમ 67 (A) ના આધારે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કરીને તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું હતું. ધનખડના આ અચાનક પગલાથી વિપક્ષી પક્ષો ચોંકી ગયા છે. તેમજ કોંગ્રેસ રાજીનામાં પર પ્રશ્નો ઉઠાવી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે આ રાજીનામાં પાછળ સ્વાસ્થ્ય નહીં પણ કોઈ અન્ય કારણ હોઈ શકે છે.  રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે મંગળવારે X પર એક પોસ્ટ શેર કરીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'જગદીપ ધનખડે સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) ને બોલાવી હતી. આ દરમિયાન જેપી નડ્ડા અને કિરેન રિજિજુ સહિત મોટાભાગના સભ્યો હાજર હતા. પરંતુ ટૂંકી વાતચીત બાદ સમિતિની આગામી મીટિંગ 4:30 વાગ્યે નક્કી કરવામાં આવી હતી.' જ્યારે ફરી સાંજે 4:30 વાગ્યે મીટિંગ યોજાઈ ત્યારે સમિતિના સભ્યો મીટિંગ માટે ભેગા થયા. જોકે, જેપી નડ્ડા અને કિરેન રિજિજુ આ મીટિંગમાં આવ્યા ન હતા. તેમજ બંને મંત્રીઓ મીટિંગમાં હાજર કેમ નથી રહ્યા તે અંગેના કારણની જાણકારી પણ જગદીપ ધનખડને આપવામાં આવી ન હતી. એવામાં ધનખડને આ વાતનું ખરાબ લાગ્યું અને તેમણે આ મીટિંગ બીજા દિવસ એટલે કે આજે બપોરે 1 વાગ્યા સુધી મુલતવી રાખી. જયરામ રમેશે દાવો કર્યો હતો કે બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યાની વચ્ચે ચોક્કસ કેટલીક ગંભીર વાતચીત થઈ હતી. આ જ કારણ છે કે જેપી નડ્ડા અને કિરેન રિજિજુ જાણી જોઈને સાંજની મીટિંગમાં હાજર રહ્યા ન હતા. ભલે જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હોય, પણ રાજીનામાં પાછળ કોઈ બીજું મોટું કારણ છે.