T20 વર્લ્ડકપ 2026 પહેલા ICCને મોટો ઝટકો, JioHotstar સાથ છોડ્યો, હવે નવા બ્રોડકાસ્ટરની શોધ

December 09, 2025

T20 વર્લ્ડકપ 2026 પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સૌથી મોટા ડિજિટલ વ્યૂઅરશિપ પ્લેટફોર્મ JioHotstarએ ICCને સત્તાવાર રીતે જાણ કરી છે કે, તે તેના વર્તમાન કરારના બાકીના બે વર્ષ માટે ભારતીય મીડિયા અધિકારો ચાલુ રાખી શકશે નહીં. ભારે નાણાકીય નુકસાનને પગલે JioHotstar કંપનીએ સમય પહેલા જ કરાર માંથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. જેનાથી ICCની યોજના પર ભારે સંકટ વર્તાઈ શકે છે. જોકે, ICC હવે નવા બ્રોડકાસ્ટરની શોધ છે, પરંતુ આ કામ એટલું આસાન ન હોવાનું લાગી રહ્યું છે.  એક રિપોર્ટ મુજબ, ICCએ 2026-29 મીડિયા રાઈટ્સ ચક્ર માટે લગભગ 2.4 અબજ ડોલરનું ટેન્ડર જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. જે હાલમાં 2024-27 ચક્ર લગભગ 3 અબજ ડોલરનું હતું. પરંતુ મુશ્કેલી એ છે કે, ભારે કિંમતના કારણે કોઈપણ મુખ્ય મીડિયા હાઉસ તેમાં રસ લેતુ નથી.  મળતી માહિતી મુજબ, ICCએ ભારતની ત્રણ દિગ્ગજ બ્રોડકાસ્ટર્સ સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયોને ઈમેઈલના માધ્યમથી સંપર્ક કર્યો છે, પરંતુ ત્રણેય તરફથી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા મળી નથી. જ્યારે એક્સપર્ટનું કહેવું છે કે, તાજેતરના બજાર પ્રમાણે આ અધિકારોનું મૂલ્યાંકન એટલું વધારે છે કે કોઈપણ કંપની નાણાકીય જોખમ લેવા તૈયાર નથી.  ICC તેની કુલ આવકના આશરે 80% ભારતીય બજારમાંથી ઉત્પન્ન કરે છે. આ જ કારણ છે કે, જો તે ભારતમાં બ્રોડકાસ્ટર શોધવામાં નિષ્ફળ જાય તો ICCનું આખું મોડેલ અસમર્થ બની જાય છે. આ નિર્ભરતા એક સુવર્ણ તક રજૂ કરે છે, પણ એક મહત્ત્વપૂર્ણ પડકાર પણ છે. સૌથી જૂની સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગ કંપનીઓમાંની એક, સોની સ્પોર્ટ્સ પહેલાથી જ ઘણા મોટા કરારમાં વ્યસ્ત છે. આ વર્ષે વધતા બજેટ દબાણને કારણે, સોનીએ ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝના ડિજિટલ અધિકારો પણ JioHotstarને આપ્યા હતા.