ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત

September 26, 2026

તિરુવનંતપુરમ ખાતે વેસ્ટઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચના બરાબર 48 કલાક પહેલાં ભારતીય ટીમમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલ ઝડપી બોલર મોહમ્મદ સિરાજના એક ઉછળતા બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. સિરાજનો ઝડપી બોલ સીધો ગિલની જમણી કોણી પર વાગતાં તે દર્દથી કણસી ઊઠ્યો હતો અને તેને તાત્કાલિક નેટ્સ છોડીને બહાર જવું પડ્યું હતું.  મેદાન પર ઈજા થયા બાદ તુરંત જ ટીમ ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા. શુભમન ગિલને લગભગ 20 મિનિટ સુધી મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો અને તેની જમણી કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો. આ દરમિયાન સિનિયર ખેલાડી રોહિત શર્માએ ડગઆઉટમાં પહોંચીને ગિલની ઈજાની સ્થિતિ જાણી હતી. જોકે, રાહતની વાત એ રહી કે દુખાવો ઓછો થતાં સેશન પૂરું થતાં પહેલાં ગિલે થ્રો-ડાઉન બોલનો સામનો કરવા માટે ફરી નેટ્સમાં વાપસી કરી હતી.  કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત થયો તે પહેલાં અનુભવી જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ લગભગ 20 મિનિટ સુધી સાથે નેટ્સમાં આકરી પ્રેક્ટિસ કરી હતી. બંને દિગ્ગજો પૂરી લયમાં જોવા મળ્યા હતા અને સ્થાનિક નેટ બોલર્સ તેમજ ભારતીય બોલરો સામે શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની તૈયારી અને ડ્રેસિંગ રૂમના ઉત્સાહજનક વાતાવરણની પ્રશંસા કરી હતી.