ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, 6 એ 6 હાર્યા! મહારાષ્ટ્રમાં ગજબ ખેલ

December 22, 2025

મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી પ્રભુત્વ જમાવ્યું હોવા છતાં, નાંદેડ જિલ્લાની લોહા નગરપાલિકામાં પક્ષને કારમો પરાજય સહન કરવો પડ્યો છે. ભાજપે અહીં પરિવારવાદનો દાવ ખેલતા એક જ પરિવારના છ સભ્યોને ટિકિટ આપી હતી, પરંતુ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ(NCP) આ તમામ છ ઉમેદવારોને હરાવીને ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ખાસ વાત એ છે કે અજિત પવાર પોતે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે અને મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે, તેમ છતાં લોહામાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. લોહા નગરપાલિકામાં મેયર પદ માટે ભાજપે પ્રભાવશાળી નેતા ગજાનન સૂર્યવંશી પર પસંદગી ઉતારી હતી, પરંતુ એનસીપીના શરદ પવારે તેમને પરાજય આપ્યો હતો. ગજાનન સૂર્યવંશી ઉપરાંત તેમના પત્ની ગોદાવરી, ભાઈ સચિન, ભાભી સુપ્રિયા, બનેવી યુવરાજ વાઘમારે અને ભત્રીજાની પત્ની રીના વ્યવહારે એમ પરિવારના તમામ છ સભ્યો ચૂંટણી હારી ગયા છે. લોહા નગર પરિષદમાં એનસીપીનું વર્ચસ્વ જોવા મળ્યું હતું, જ્યાં પ્રમુખ પદ સહિત કુલ 17 બેઠકો પર એનસીપીનો વિજય થયો છે, જ્યારે ભાજપ, શિવસેના(UBT) અને કોંગ્રેસના ફાળે માત્ર એક-એક બેઠક આવી છે. ચૂંટણી પહેલા એક જ પરિવારના છ સભ્યોને મેદાનમાં ઉતારવાના ભાજપના નિર્ણયની ભારે ટીકા થઈ હતી. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ(MVA) ભાજપ પર 'વંશવાદી રાજનીતિ'નો આરોપ લગાવીને કટાક્ષ પણ કર્યો હતો. અજિત પવાર જૂથના નેતા પ્રતાપરાવ ગોવિંદરાવ ચીખલીકરે પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપને સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવારો ન મળતા તેમણે એક જ પરિવાર પર નિર્ભર રહેવું પડ્યું હતું. નાંદેડ જિલ્લામાં અશોક ચવ્હાણ જેવા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા હોવા છતાં લોહામાં પક્ષની આ હાર ચર્ચાનો વિષય બની છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો એનસીપીએ લોહા, કંધાર, દેગલૂર અને ઉમરીમાં જીત મેળવી છે, જ્યારે ભાજપે કુંડલવાડી, મુધખેડ અને ભોકર નગર પરિષદો પર કબજો જમાવ્યો છે.