નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા

November 09, 2025

નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3ના ટ્રેકિંગ દરમિયાન સુરતના બારડોલીના પિતા-પુત્રી ગુમ થયા હતા. બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ભારે હિમવર્ષા વચ્ચે સંપર્ક વિહોણા બેનાલા પિતા-પુત્રીના મૃતદેહ 19 દિવસ બાદ બરફ નીચે દટાયેલા મળ્યા છે. 


મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તેઓ 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા હતા અને 17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતા. 18મી ઓક્ટોબરે બસ મારફતે બસીશેર થઈને તેઓ મનાંગ ગયા હતા. બે દિવસ હોટલમાં રોકાયા પછી તેઓ 21મી ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત-3 માટેનો તેમનો ટ્રેક શરૂ કર્યો હતો. આ દરમિયાન જિગ્નેશ પટેલે તેમની પત્ની જાગૃતિબેનને જાણ કરી હતી કે, તેઓ 10 દિવસમાં એટલે કે 30મી અથવા 31મી ઓક્ટોબરે પાછા ફરશે.


26મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન મનાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા આ પિતા-પુત્રી માટે અવરોધરૂપ બની. હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તેમનું પરત ફરવું અશક્ય બન્યું હતું અને પરિવાર સાથેનો તેમનો સંપર્ક પણ તૂટી ગયો હતો. પતિ અને પુત્રીનો સંપર્ક ન થતાં જાગૃતિબેનએ ચિંતા સાથે કડોદ આઉટપોસ્ટ પોલીસનો સંપર્ક કરીને આ બાબતની જાણ કરી હતી.