બોઇંગના કડક નિર્ણય: CEO સહિત ટોચના મેનેજમેન્ટને દેખાડ્યો બહારનો રસ્તો

March 26, 2024

સંકટનો સામનો કરી રહેલી વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ ઉત્પાદક કંપની બોઇંગે આખરે આકરો નિર્ણય લીધો છે અને તેના CEO ડેવ કેલહુન સહિત ટોચના મેનેજમેન્ટને બહારનો રસ્તો બતાવ્યો છે. ડેવ કેલહુન આ વર્ષના અંત સુધીમાં કંપની છોડી દેશે.

આ ઉપરાંત કોમર્શિયલ એરલાઈન્સ વિભાગના વડા નિવૃત્ત થઈ જશે અને અધ્યક્ષ ફરીથી તેમનું પદ સંભાળશે નહીં. તાજેતરના ભૂતકાળમાં, બોઇંગ વિમાનો સાથે એવા ગંભીર અકસ્માતો થયા છે કે આખરે કંપનીએ તેના ટોચના મેનેજમેન્ટને હટાવવું પડ્યું.

તાજેતરમાં, બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો દરવાજો ટેકઓફ કર્યાના તુરંત બાદ હવામાં જ ફાટી ગયો. જોકે, ક્રૂની સૂઝબૂઝને કારણે મોટી દુર્ઘટના ટાળી ગઈ હતી અને કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. ડેવ કેલહુને 2020માં CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

પહેલા CEO રહેલા ડેનિસ મુઈલેનબર્ગને પણ આવા જ કૌભાંડમાં ફસાયા બાદ પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. તે સમયે 2 નવા 737 મેક્સ 5 મહિનાના ગાળામાં એક સરખા અકસ્માતોનો શિકાર થયા હતા. જેમાં 346 મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયા હતા. ત્યારબાદ, ડેનિસ મુલેનબર્ગે રાજીનામું આપી દીધું હતું.