બંને મારા મિત્રો છે... ', અભિષેક-જયસ્વાલ સાથે ટોક્સિક કોમ્પિટિશનની ચર્ચા મુદ્દે ગિલનું મોટું નિવેદન

February 05, 2025

આગામી ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલે T20Iમાં અભિષેક શર્માની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેણે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે, વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેની અને યશસ્વી જયસ્વાલ અને અભિષેક શર્મા વચ્ચે કોઈ 'ટોક્સિક કોમ્પિટિશન' નથી. ગિલે જણાવ્યું કે, 'અભિષેક નાનપણથી મારો મિત્ર છે. આ સિવાય જયસ્વાલ પણ મારો મિત્ર છે. મને નથી લાગતું કે, અમારી વચ્ચે કોઈ ટોક્સિક કોમ્પિટિશન હોય. જો તમે દેશ માટે રમી રહ્યા હોવ તો, તમે દરેક મેચમાં સારું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરો છો અને ત્યારે તમે એ નથી વિચારતા કે, આ ખેલાડી સારું પ્રદર્શન ન કરે. તમે દેશ અને ટીમ માટે જયારે કોઈપણ ખેલાડી સારું પ્રદર્શન કરે છે ત્યારે તમે સારો અનુભવ કરો છો અને તેને શુભકામનાઓ આપો છો.' ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેને લઈને ગીલે કહ્યું હતું કે, 'મને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. હું આને એક પડકાર તરીકે જોઉં છું. જો રોહિતભાઈને મારા અભિપ્રાયની જરૂર પડે છે તો હું તમની સામે મારા વિચાર રજુ કરીશ.'    ગિલને વનડે સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે રિઝર્વ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હોવાથી વનડેમાં યશસ્વી જયસ્વાલને પ્રેશરનો સામનો કરવો પડશે. સેમસને 2024 માં પાંચ મેચમાં ત્રણ સદી ફટકારી હતી, જ્યારે અભિષેકે રવિવારે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામેની T20I માં 34 બોલમાં સદી ફટકારીને પોતાની પ્રતિભા દર્શાવી હતી. ઇંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુર ખાતે યોજાશે.