કેનેડાએ ઈમિગ્રેશન નીતિ કડક કરતાં ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી, જુઓ તેના પરિણામ

November 04, 2025

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પરમિટ મેળવવાની પ્રક્રિયા હવે પહેલાં કરતાં વધુ જટિલ બની ગઈ છે. તાજા ઇમિગ્રેશન આંકડાઓ દર્શાવે છે કે, ઓગસ્ટ 2025 મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓની 74 ટકા સ્ટડી વિઝા અરજીઓને નકારવામાં આવી હતી. આ આંકડો બે વર્ષ પહેલાંના દર કરતાં બમણાથી પણ વધારે છે. કેનેડામાં ઘૂસ મારવા માટે કરવામાં આવતી છેતરપિંડીને રોકવા માટે સખત બનાવવામાં આવેલી ઇમિગ્રેશન નીતિને કારણે આમ થયું છે. એક સમય હતો જ્યારે શિક્ષણ, રોજગાર અને સ્થાયી નિવાસ કરવા ઈચ્છુક વિદેશીઓ માટે કેનેડા સૌથી પસંદગીનું સ્થળ હતું. પરંતુ ઇમિગ્રન્ટ્સના ઓચિંતા વધારા અને સિસ્ટમ પર આવેલા દબાણને કારણે કેનેડાની સરકારે પોતાની નીતિમાં બદલાવ કરવાનું શરૂ કર્યું છે. નીતિઓનો અયોગ્ય લાભ લેવાની ઘટનાઓમાં વધારો થતાં ઇમિગ્રેશન વિભાગે કડક પગલાં લેવાની ફરજ પડી છે. આ બધાં પરિબળોને કારણે હવે ઇમિગ્રન્ટ્સનું કેનેડા પ્રત્યેનું આકર્ષક ઘટી ગયું છે. કેનેડા દ્વારા ફક્ત અસ્વીકૃતિનો દર જ નથી વધ્યો, ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવતી અરજીઓની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2023માં 20,900 જેટલી અરજીઓ હતી, તે સંખ્યા ઓગસ્ટ 2025માં ઘટીને માત્ર 4,515 રહી ગઈ હતી. આ ઘટાડો સૂચવે છે કે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા પ્રત્યેનું આકર્ષણ અને ત્યાં અભ્યાસ કરવાની સંભાવના બંને ઘટી રહી છે. અલબત્ત, હજુ પણ કેનેડાના વિઝા માટેના અરજદારોના લિસ્ટમાં ભારતીયો જ પહેલા નંબરે છે. એ જ રીતે અરજીની અસ્વીકૃતિ પણ સૌથી વધુ ભારતીયો જ પામે છે.  ઇમિગ્રેશન રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)ના અહેવાલ અનુસાર, ઓગસ્ટ 2025માં કેનેડા પહોંચનારા નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 2024ની સરખામણીમાં 43.1% નો ઘટાડો થયો છે. આ ફેરફાર માત્ર એક મહિનાનો નથી, પણ એક વ્યાપક ટ્રેન્ડ સૂચવે છે. ઓગસ્ટ 2024માં 79,795 નવા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા, જે ઓગસ્ટ 2025માં ઘટીને 45,380 થઈ ગયા હતા. જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 દરમિયાન 2024ની સરખામણીમાં લગભગ 132,505 ઓછા વિદ્યાર્થીઓએ કેનેડા પ્રવેશ કર્યો હતો. IRCC એ 2025 માટે 305,900 નવા વિદ્યાર્થીઓનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 29.24%  હતી.