મોરબી નજીક કાર અચાનક ભડભડ સળગી ઉઠી, દરવાજા લૉક થઇ જતાં યુવા ઉદ્યોગપતિનું મોત

October 01, 2024

કારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોરબીના લીલાપર નજીક અચાનક કોઇ કારણસર કાર ભડભડ સળગી ઉઠી હતી. આ દરમિયાન કારમાં સવાર યુવા ઉદ્યોગપતિ અજય નાનજીભાઈ ગોપાણી (ઉં. 39) બહાર નીકળી ન શકતા ભૂંજાઈ ગયા હતા. કાર સળગી ઉઠી ત્યારે તેના દરવાજા લોક થઇ ગયા હતા, જેથી ગુંગળામળ અને આગના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. 

પ્રાથમિક અહેવાલો પ્રમાણે, અજય ગોપાણી સિરામિક ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ છે. કાર આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

પ્રાથમિક તપાસ કરતાં કારમાંથી 5 ખ રોકડા, 8 મોબાઇલ, સોનાની વિંટી અને પિસ્તોલ મળી આવી છે, જે મૃતકના પિતરાઇને સોંપવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જોકે પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.