નાગપુરમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકથી અફરાતફરી, 40 લોકો હોસ્પિટલમાં, 4થી 5ની હાલત ગંભીર

August 24, 2026

નાગપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નાગપુરમાં ક્લોરિન ગેસ લીક થવાના કારણે 40 લોકોની હાલત ખરાબ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. આ તમામ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે નાગપુરના ગોધની વિસ્તારમાં સોમવારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ક્લોરિન ગેસ લીક થયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ પ્લાન્ટ ગોધની નગર પંચાયત દ્વારા સંચાલિત છે. ગેસ લીકની ઘટના બાદ લગભગ 40 લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી. અસરગ્રસ્તોમાં પ્લાન્ટના 8થી 10 કર્મચારીઓ અને આસપાસ રહેતા 20થી 25 સ્થાનિક લોકો સામેલ છે. આ પૈકી 4થી 5 લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે આઈસીયુમાં શિફ્ટ કરાયા છે, જ્યારે અન્ય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ગેસની અસરને નિયંત્રિત કરવાની સાથે જ આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે નજીકના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હાલ વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગો ગેસ લીકના કારણોની તપાસ કરી રહ્યા છે અને આસપાસના અન્ય વિસ્તારોના લોકોને કોઈ જોખમ ન રહે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.