ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી

September 29, 2026

પેકેજ્ડ ફૂડમાં વધતી ખાંડ, ફેટ અને મીઠા (સોડિયમ)ના પ્રમાણ અંગે ગ્રાહકોને સાવચેત કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કેનેડાના મોડેલણા આધારે એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ નવા નિયમથી ગ્રાહકો પોતાની તંદુરસ્તી અનુસાર યોગ્ય ખાદ્ય પદાર્થોની પસંદગી સરળતાથી કરી શકશે. જો તમે ફાસ્ટ ફૂડના શોખીન છો પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ છો, તો FSSAI દ્વારા એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. નવા પ્રસ્તાવ મુજબ, બજારમાં વેચાતા એવા તમામ પેકેટબંધ ખાદ્ય પદાર્થો, જેમાં ખાંડ (Sugar), ફેટ (Saturated Fat) અને મીઠું (Salt) નક્કી કરેલા ધોરણો કરતાં વધુ હશે, તેના પેકેટના આગળના ભાગ પર લાલ રંગનું ષટ્કોણીય ચેતવણી લેબલ (Red Hexagonal Warning Label) લગાવવું ફરજિયાત બનાવવામાં આવશે. આ લેબલ દૂરથી જ ગ્રાહકને ચેતવણી આપી દેશે કે આ પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.વિશ્વના અનેક વિકસિત દેશો ખાસ કરીને કેનેડામાં પેક્ડ ફૂડના હાનિકારક તત્વો સામે ગ્રાહકોને જાગૃત કરવા માટે આવા ચેતવણી પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. FSSAIની આ નવી સિસ્ટમ હેઠળ જો કોઈ ચિપ્સ, બિસ્કિટ, નમકીન કે એરિયેટેડ ડ્રિંક્સમાં શુગર કે સોડિયમની માત્રાવધારે હશે, તો તેના પર 'High in Sugar' અથવા 'High in Salt/Saturated Fat' સ્પષ્ટ રીતે છાપવામાં આવશે, જેથી ખરીદી કરતી વખતે ગ્રાહકોને પારદર્શક માહિતી મળી રહે.આ નિયમ પાછળ સત્તાધિકારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય નાની ઉંમરે વધી રહેલી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓના જોખમને અટકાવવાનો છે. અગાઉ મોટાભાગના લોકો પેકેટ પાછળ છપાયેલા ઝીણા અક્ષરોના ન્યૂટ્રિશન ટેબલને વાંચતા નહોતા, પરંતુ પેકેટના આગળ જ લાલ નિશાન હોવાથી બાળકો અને વાલીઓ પણ પૌષ્ટિક અને બિનપૌષ્ટિક ખોરાક વચ્ચેનો તફાવત સહેલાઈથી સમજી શકશે. આ ચેતવણી લેબલના ડરથી ખાદ્ય ઉત્પાદક કંપનીઓ પોતાના ઉત્પાદનોમાં ખાંડ, મીઠું અને ફેટનું પ્રમાણ ઘટાડવા માટે સ્વયંભૂ પ્રેરિત થશે. સાથે જ, રોજિંદા આહારમાં પ્રિઝર્વેટિવ્સ અને જંક ફૂડના સેવન પર અંકુશ આવશે, જેનાથી ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ પોતાના સ્વાસ્થ્ય મુજબ સુરક્ષિત પ્રોડક્ટ્સની પસંદગી કરી શકશે.