ટ્રમ્પના ટેરિફ વોરનો સામનો કરવા ચીન સજ્જ, રજૂ કર્યો સ્પેશિયલ ઍક્શન પ્લાન, ખર્ચને પ્રોત્સાહન આપશે

March 17, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરનો આકરો જવાબ આપવા માટે ચીને એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. તેણે ગઈકાલે એક નવો ‘સ્પેશિયલ ઍક્શન પ્લાન’ લોન્ચ કર્યો હતો. આ પ્લાનની મદદથી ચીન પોતાના નાગરિકોને વધુ પૈસા ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે, જેથી તેના અર્થતંત્રની ગાડી પાટા પર આવી શકે અને સાથે સાથે અમેરિકાના ટેરિફ સામે રક્ષણ મળી શકે. ચીને અમેરિકાની બમણી ટેરિફ નીતિનો વળતો જવાબ આપવા નિર્ણય લીધો છે. તેણે પણ અમેરિકાની કેટલીક પ્રોડક્ટ્સ પર ટેરિફ નિર્ધારિત કર્યો છે. તેમજ આ ખાસ પ્લાનથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, જેથી આયાત નિર્ભરતા ઘટાડી શકાશે. નિકાસ માટે અમેરિકાનો વિકલ્પ પણ શોધશે. ચીનની અર્થવ્યવસ્થા કોવિડ મહામારી બાદથી કથળી છે. અહીંના લોકો આર્થિક મંદીના વાદળો વચ્ચે ખર્ચ કરી રહ્યા નથી. કોવિડના કારણે છટણી, ઘરની કિંમતોમાં વધારો જેવા અનેક પડકારોનો સામનો ચીન કરી રહ્યું છે. સ્પેશિયલ ઍક્શન પ્લાનમાં લોકોના ખિસ્સામાં વધુ રૂપિયા જમા થાય તે હેતુ સાથે પગાર, પેન્શન અને લઘુતમ વેતનમાં વધારો કરવામાં આવશે. આ સાથે શેરબજાર અને બૉન્ડમાં રોકાણ કરીને કમાણીના નવા માર્ગો પણ ખોલશે. ગ્રામીણ વિસ્તારના લોકોને તેમની જમીન અને મકાનમાંથી કમાવાની નવી તકો મળશે. ટેક્સમાં ઘટાડો થશે જેનાથી સારવાર અને ઘર ખરીદવું સસ્તું બનશે. બૅન્કો પાસેથી લોન લેવી સરળ અને સસ્તી બનશે, જેથી લોકો ખરીદી કરી શકે. સરકાર લોકોને નવી વસ્તુઓ, ખાસ કરીને ઘર, વાહનો (ખાસ કરીને EV) અને અન્ય મોટી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સ્માર્ટ ગેજેટ્સ, રોબોટ્સ, 3ડી પ્રિન્ટિંગ જેવી નવી ટૅક્નોલૉજીને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે AI અને ડ્રોન જેવી સસ્તી ટૅક્નોલૉજી પર પણ ધ્યાન આપવામાં આવશે.