ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફેલાવી હતી, ફ્રાન્સના ગુપ્ત રિપોર્ટમાં ખુલી પોલ

July 07, 2025

ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને રાફેલ સહિત છ ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો. ત્યારબાદ ઘણાં દેશોમાં રાફેલ વિમાનો અંગે સવાલો ઊભા થવા લાગ્યા હતા. હવે ફ્રાન્સના લશ્કરી અને ગુપ્તચર અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો છે કે, ચીને ફ્રાન્સના મુખ્ય ફાઈટર વિમાનોના વેચાણને નબળી પાડવા અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેના દૂતાવાસોનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સના એક ગુપ્ત રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂર પછી ચીને એક પ્રોપગેંડા શરૂ કર્યો હતો, જેમાં રાફેલ જેટના વેચાણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચીને પોતાના દૂતાવાસો દ્વારા તે દેશોને રાફેલ ખરીદવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો જેમણે ફ્રાન્સ પાસેથી આ જેટનો ઓર્ડર આપ્યો હતો અને તેના બદલે ચીની નિર્મિત જેટ ખરીદવાનો આગ્રહ રાખ્યો હતો. ચીની દૂતાવાસના સંરક્ષણ અટાશેએ દાવો કર્યો હતો કે, ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા રાફેલ વિમાન અસરકારક નથી.  ચીનના મિત્ર પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના ત્રણ રાફેલ ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા. પરંતુ રાફેલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિયરે પાકિસ્તાનના આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા. બીજી તરફ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શાંગરી-લા ડાયલોગ દરમિયાન એક ઇન્ટરવ્યુ દરમિયાન રાફેલને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા તણાવ દરમિયાન ભારતે ફ્રાન્ચ બનાવટના રાફેલ જેટનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સનો દાવો છે કે પાકિસ્તાન અને તેના સાથી ચીને રાફેલની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું.