યુટ્યુબર છોકરીના પ્રેમમાં પાગલ યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને આત્મહત્યા કરી લેતા હડકંપ

July 07, 2025

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના સનોદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો દરમિયાન જીવન ટૂંકાવી નાખ્યું હતું. મૃતકની ઓળખ 20 વર્ષીય દીપક રાજ અહિરવાર તરીકે થઈ છે. આ ઘટના 22 જૂનના રોજ બની હતી, પરંતુ શુક્રવારે જ્યારે તેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, ત્યારે આ મામલો સામે આવ્યો હતો. વીડિયોમાં દીપકે કહ્યું હતું કે, 'જે તમારા માટે સમય નથી કાઢતો તેને ક્યારેય પ્રેમ ન કરો.' આ શબ્દો કહીને તેણે જીવન ટૂંકાવી નાખ્યું હતું. આ વીડિયો વાઈરલ થયા પછી તેની આત્મહત્યા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. યુવકના પરિવારના સભ્યોનો આરોપ છે કે છતરપુરની એક યુટ્યુબર મહિલા સાથે બ્રેકઅપ થવાને કારણે દીપક તણાવમાં હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું. આ કેસમાં જાનવી સાહુ નામની યુટ્યુબરનું નામ ચર્ચામાં આવ્યું છે, જે છતરપુરની રહેવાસી છે. મીડિયા સાથે વાત કરતા તેણીએ કહ્યું કે, 'મારા ઇન્સ્ટાગ્રામ પર બે લાખથી વધુ ફોલોઅર્સ છે. હું પરિણીત છું અને બે બાળકોની માતા છું. હું દીપક (જેને જાનવી રાહુલ તરીકે સંબોધે છે) ને એક લગ્ન સમારંભમાં મળી હતી. તેની મુલાકાત મારી મિત્ર સંજના દ્વારા થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર તેની સાથે સામાન્ય વાતચીત અને મજાક થઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારના પ્રેમ કે લગ્ન પ્રસ્તાવની કોઈ વાત થઈ ન હતી. ઘટનાના દિવસે યુવકે રાત્રે 8 વાગ્યે ફોન કર્યો હતો, પરંતુ તે નશામાં હતો, તેથી મેં ફોન કાપી નાખ્યો.' જાનવીએ વધુમાં કહ્યું હતું કે, 'બાદમાં મને સંજના પાસેથી ખબર પડી કે દીપક અગાઉ સમલૈંગિક ગુનાના કેસમાં જેલમાં ગયો હતો. હું પોતે પણ આશ્ચર્યચકિત છે કે મને આ કેસમાં કેમ ખેંચવામાં આવી રહી છે. મેં કોઈને ગેરમાર્ગે નથી દોર્યો કે નથી કોઈને ખોટું વચન આપ્યું. આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો કોઈ દોષિત હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વાઈરલ વીડિયો કોણે અપલોડ કર્યો અને શા માટે ડિલીટ કરવામાં આવ્યો તેની પણ તપાસ થવી જોઈએ.'