વંથલી ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ

November 09, 2025

રિક્ષા રોકવા જેવી બાબતે હિંસક અથડામણ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે નજીવી બાબતને લઈને એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની છે. રિક્ષા રોકવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં મહિલાઓ પણ સામસામે આવી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, ટીનમસ ગામે રિક્ષા રોકવા જેવી સામાન્ય વાત પર એક જ કોમના બે પક્ષના લોકો આમને-સામને આવી ગયા હતા. આ ઝઘડાએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. અથડામણ દરમિયાન બંને જૂથના લોકોએ છૂટા હાથે મારામારી કરી હતી, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. આ જૂથ અથડામણમાં કુલ બે વ્યક્તિઓને ઈજા થવા પામી છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ટીનમસ ગામે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે પોલીસે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધી છે. કુલ 13 લોકો સામે જૂથ અથડામણ અને મારામારી બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જૂથ અથડામણની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહીને આગળ વધારી રહી છે.