ગુજરાતમાં ઠંડીનો ચમકારો : 6 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન, વડોદરા 14 ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર

November 10, 2025

ગુજરાતભરમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે જમાવટ કરી રહી છે. રવિવારે રાત્રે રાજ્યના 6 મુખ્ય શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં વડોદરા 14.0 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે. અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. શહેરમાં સળંગ બીજા દિવસે પારો 16 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રવિવારે રાત્રે અમદાવાદમાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 3 દિવસ અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, 22મી નવેમ્બર બાદ પારો 14 ડિગ્રીથી પણ નીચે ગગડી શકે છે, જેના કારણે ઠંડીનું જોર હજુ વધશે.  રવિવારે રાત્રે અન્ય શહેરોની સ્થિતિ વડોદરા ઉપરાંત નલિયા (14.2), ગાંધીનગર (14.5), રાજકોટ (15.5) અને ડીસામાં ( 15.5) પણ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહિવત્ છે.