બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું - ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર

November 14, 2025

'આ ચૂંટણી પંચ અને બિહારના લોકો વચ્ચેની સીધી લડાઈ'

બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો અંતિમ તબક્કામાં છે અને શરૂઆતી વલણો મહાગઠબંધન માટે કારમા પરાજયનો સંકેત આપી રહ્યા છે, જ્યારે NDA ફરી એકવાર સત્તા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે તેની દુર્દશા માટે સીધો દોષનો ટોપલો ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર ઢોળ્યો છે.
શુક્રવારે (14મી નવેમ્બર) મતગણતરી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ પત્રકારો સાથે વાતચીત કરતાં આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના મીડિયા પ્રભારી અને AICC મીડિયા તથા પબ્લિસિટી વિભાગના ચેરમેન પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, 'આ ફક્ત પ્રારંભિક વલણો છે; અમે થોડી રાહ જોઈ રહ્યા છીએ. પ્રારંભિક વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો પર આગળ વધી રહ્યા છે.'