નાગપુરમાં હિંસા બાદ 10 સ્થળોએ કર્ફ્યુ, રાતભર પોલીસ એલર્ટ, 65 ઉપદ્રવીની અટકાયત

March 18, 2025

ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

પ્રથમ હિંસા નાગપુરના મહેલમાં થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઉશ્કેરાયેલા ટોળાએ 25થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં 60 થી 65 તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે 25 થી 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે થઈ હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. બંને જૂથોએ સોમવારે સવારે નાગપુરમાં વિરોધ પણ કર્યો હતો, જેના કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી.