દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, UPમાં કડકડતી ઠંડી, IMDએ હવામાનને લઇ કરી આગાહી

November 19, 2024

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં ઝડપી ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર-પશ્ચિમના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ, ઉપ-હિમાલય, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસ સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સ્મોગનું કારણ પ્રદૂષણ અને ઠંડી બંને છે. દેશની રાજધાનીમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં દિલ્હીનું તાપમાન ઝડપથી ઘટશે. આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસ રહેશે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 25થી 28 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 13થી 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.