ભારત માટે નિરાશાજનક, 2022માં રૂપિયો સૌથી ખરાબ એશિયન કરન્સી

December 30, 2022

2022માં અમેરિકી ફેડ રિઝર્વની આક્રમક નીતિના કારણે ડોલર સામે રૂપિયો 11.3 ટકા તૂટ્યો હતો


2022માં અમેરિકી ફેડ રિઝર્વની આક્રમક નીતિના કારણે ડોલર સામે રૂપિયો 11.3 ટકા તૂટ્યો હતો. રૂ. 8.39ના કડાકા સાથે ભારતીય રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનાર એશિયન કરન્સી રહી હતી.જે 2013 બાદનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો હતો. ચાલુ વર્ષના અંત સુધીમાં એટલે કે 31 ડિસેમ્બર, 2021ના રોજ ડોલર સામે રૂપિયો 74.33 પર ટ્રેડેડ હતો. જે 2022ના અંતે 82.72 પર બંધ રહેવા સાથે સૌથી વધુ તૂટ્યો હતો. વર્ષ દરમિયાન રૂપિયો ઓક્ટોબરમાં 83.27 ડોલરના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. જ્યારે ડૉલર ઇન્ડેક્સ 2015 પછીની સર્વોચ્ચ સપાટીએ સાથે સતત આગળ વધી રહ્યો હતો. 


રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે તેમજ ક્રૂડ ઓઈલના ભાવોમાં સર્જાયેલી કટોકટીના લીધે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચાલુ ખાતાની ખાધ રેકોર્ડ સ્તરે પહોંચતા રૂપિયો નબળો પડ્યો હતો. કરન્સી તજજ્ઞોના મતે ફેડ રિઝર્વનું વલણ ડોલરને વધુ મજબૂત બનાવશે. જેના પરિણામે 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો જારી રહેશે. તે ઉપરાંત ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણ વધવાની આશાઓ સેવવામાં આવી રહી છે. 


ફેડ ધારણા કરતાં વધુ લાંબા સમય સુધી દરોમાં વધારો જારી રાખી શકે છે અને જો વિકસિત અર્થતંત્રોમાં મંદી લાંબા સમય સુધી રહી તો ભારતની નિકાસને ભારે ફટકો પડી શકે છે, જે રૂપિયા માટે બે મુખ્ય જોખમો છે. મોટાભાગના વેપારીઓ અને વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયો ડોલર સામે 81.50-83.50ની રેન્જ વચ્ચે જશે. એમ ICICI સિક્યોરિટીઝ ડેરિવેટિવ્ઝ રિસર્ચના હેડ રાજ દીપક સિંઘે જણાવ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે, વિદેશી રોકાણકારો માટે પણ રૂપિયા પર નજર રાખવા માટે ઇક્વિટી ઈનફ્લો મુખ્ય માપદંડ રહેશે. જો રૂપિયો સુધરશે તો પણ તે હજુ પણ એશિયન કરતાં ઓછો દેખાવ કરી શકે છે અને ઊભરતાં બજારમાં તે ટોચની પસંદગી બની શકશે નહીં.