ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદી માટે સૌથી મોટો ખતરો છેઃ કમલા હેરિસ

March 19, 2024

વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વાક યુધ્ધ વધારેને વધારે ઉગ્ર બની રહ્યુ છે.  ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે ફરી એક વખત મુકાબલો થાનો છે ત્યારે  અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધીને તેમને લોકશાહી તેમજ અભિવ્યક્તિની આઝાદી સામેનો સૌથી મોટો ખતરો ગણાવ્યા છે. સોશિયલ મીડિયા પર હેરિસે કહ્યુ હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી  માટે મોટામાં મોટો ખતરો છે. આ વખતની ચૂંટણીમાં હું અને રાષ્ટ્રપતિ બાઈડન ફરી લોકોના મતાધિકારની રક્ષા કરીશું તેમજ અમેરિકામાં વ્યાપક બની રહેલા ગન કલ્ચરના કારણે થઈ રહેલી હિંસા પર પણ વાત કરીશું. કમલા હેરિસનુ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદિત નિવેદન પછી આવ્યુ છે. જેમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે, હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં જીતુ તો અમેરિકામાં ફરી લોહી રેડાશે.  ટ્રમ્પના નિવેદન પર રાષ્ટ્રપતિ બાઈડનના પ્રવક્તા જેમ્સ સિંગરે પણ કહ્યુ હતુ કે, ટ્રમ્પ 6 જાન્યુઆરી, 2021ની ઘટનાનુ ફરી પુનરાવર્તન કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, 2021માં આ દિવસે ટ્રમ્પ ચૂંટણી હારી ગયા બાદ લોકોનુ ટોળી અમેરિકાની સંસદમાં ઘુસી ગયુ હતુ. ટ્રમ્પના સમર્થકો અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં 100 લોકો ઘાયલ થયા હતા અને નવ લોકોના મોત થયા હતા.