ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'

May 10, 2025

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝેક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એક નવો સેલ્ફ ડિપોર્ટેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગેરકાયદે અપ્રવાસીઓ જે સ્વયં અમેરિકા છોડીને જવાનો વિકલ્પ પસંદ કરે છે તેમને અમેરિકા તરફથી નિઃશુલ્ક ફ્લાઇટ સુવિધા આપવામાં આવશે. વ્હાઇટ હાઉસના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી 'પ્રોજેક્ટ હોમકમિંગની સ્થાપના'ના શીર્ષક હેઠળ પોસ્ટ કરી છે. જેમાં એક વીડિયો મેસેજ શેર કરવામાં આવ્યો છે. 90 સેકન્ડના સંબોધનમાં, ટ્રમ્પે વિસ્તારથી જણાવ્યું કે, અમે ગેરકાયદે રહેતા વિદેશીઓ માટે પહેલીવાર સેલ્ફ ડિપોર્ટેશન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ ગેરકાયદે વિદેશી એરપોર્ટ પર આવી શકે છે અને અમારા દેશમાંથી બહાર જવા માટે નિઃશુલ્ક ફ્લાઇટ સુવિધા પૂરી પાડવામાં આવશે. અને CBP હોમ નામની એક મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરી છે. આ C-B-P-H-O-M-E છે, જ્યાં ગેરકાયદે અપ્રવાસીઓ કોઈપણ વિદેશી દેશ માટે નિઃશુલ્ક ફ્લાઇટ બુક કરાવી શકો છો અને અમેરિકા છોડીને ગમે ત્યાં જઈ શકો છો.' ટ્રમ્પે એવું પણ જણાવ્યું કે, અમે ગેરકાયદે લોકોને સેલ્ફ ડિપોર્ટેશન માટે પ્રોત્સાહિત કરવા માટે 'ડિપોર્ટેશન બોનસ' રજૂ કર્યું છે. આ બોનસ અમેરિકન કરદાતાના અબજો-ખરબો ડોલર બચાવશે. બાઇડને આ દેશ સાથે જે કર્યું, તેને ક્યારેય સમજાવી નહીં શકાય અને ક્યારેય સ્વીકાર પણ નહીં કરી શકાય. આખરે, જ્યારે ગેરકાયદ લોકો જતા રહેશે, તો તેનાથી આપણા અબજો ડોલરની બચત થશે. જોકે, આ ગેરકાયદે વિદેશી અમેરિકામાં જ ગેરકાયદે રહેવાનું પસંદ કરે છે, તો તેના માટે તેમને ગંભીર પરિણામ ભોગવવું પડશે. અમેરિકામાં ગેરકાયદે રહેનારા લોકોને દંડનો અને સજાનો સામનો કરવો પડી શકે છે. જેમાં લાંબા સમયગાળાની જેલ, ભારે નાણાંકીય દંડ, તમામ સંપત્તિની જપ્તી, તમામ વેતનની જપ્તી, કારાવાસ અને અચાનક ડિપોર્ટેશન સામેલ છે. જેમાં ડિપોર્ટેશનનું સ્થાન અને પ્રક્રિયા સંપૂર્ણપણે અમારી વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે. તેથી, તમામ ગેરકાયદે વિદેશીઓએ પોતાની નિઃશુલ્ક ફ્લાઇટ બુક કરે. અમે ઈચ્છીએ છીએ કે, તમે અમેરિકાથી બહાર નીકળી જાવ, પરંતુ જો તમે હકીકતમાં સારા છો તો અમે તમને પરત લાવવાનો પ્રયાસ કરીશું. આભાર.'